ધન તેરસે તૈયાર પાકના સોદા થતાં અબડાસાના ખેડૂતો ખુશ

દીપોત્સવી તહેવારોની શરૂઆત સાથે ધનતેરસના દિવસે અબડાસા તાલુકામાં તૈયાર પાકના સોદા સાથે રોકડ હાથમાં આવતા ખેડૂતોની દિવાળી સુધરી છે. દિવાળીના સપરમા દિવસે, ખેડૂતોના તૈયાર પાકના સોદા થતાં ખેડૂતોને મહેનતના મોલ મળતાં જગતનો તાત ખુશખુશાલ છે. ધનતેરસના દિવસે ખેડૂતોને પોતાના તૈયાર થયેલા પાકના બદલામાં રોકડ રકમ હાથમાં આવતા ખેડૂતોની દિવાળી સુધરી ગઇ છે. આ અંગે સાંધાણના ખેડૂત રમેશભાઈએ જણાવ્યું હતું કે, પિયત વિસ્તારમાં મગફળીનો પાક સારો થતાં, સારી ઉપજ સામે સારો ભાવ પણ મળ્યો છે. ગત વર્ષના ભાવની સરખામણીએ આ વર્ષે 15થી 20 ટકાનો ભાવ વધારો મળ્યો છે, જેના કારણે દિવાળીનો તહેવાર રંગેચંગે ઉજવવામાં આવશે. ખેડૂતોને મળેલી રકમ, સરકારી કર્મચારીઓને મળેલા પગારની રકમના કારણે દિવાળીના દિવસોમાં બજારમાં રોનક આવશે. ગત વર્ષે કોરોનાના કારણે મંદીના માર તળે સાદગીપૂર્ણ દિવાળી ઉજવવામાં આવી હતી. ગત વર્ષની ખોટને સરભર કરીને આ વર્ષે રંગેચંગે દિવાળી ઉજવવામાં આવશે એમ ખેડૂત કૃણાલ ગોસ્વામીએ જણાવ્યું હતું.