એસટી બસ સ્ટેશને મુસાફરોની પડાપડી, રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની ભીડ

દિવાળી પર્વના દિવસોનો આરંભ થઇ ચૂક્યો છે. પર્વની ઉજવણી કરવા માટે રેલવે અને એસટી બસ સ્ટેશન પર મુસાફરોનો ઘસારો વધીરહ્યો છે. હજુ બે દિવસ આવો જ ઘસારો યથાવત રહેશે તેવું જાણકારોનું માનવું છે. રિઝર્વેશન જે તે બસ અને ટ્રેનનું ફુલહાઉસ બોલી રહ્યું છે. પચરંગી વસ્તી ધરાવતા શહેરમાં દિવાળીના પર્વને લઇને કેટલોક વર્ગ તો વર્ષોથી અહીં સ્થાયી થયો છે અને અહીં જ દિવાળી પર્વ ઉજવશે. પરંતુ કેટલોક વર્ગ એવો પણ છે જે વતનમાં સગા સ્નેહીઓની હાજરીમાં પર્વ ઉજવવામાં માને છે. સંકુલમાં એસટી બસ સ્ટેશન પર સવારથી જ જુદી જુદી બસોમાં મુસાફરોએ પડાપડી કરી હતી અને તેને લઇને સામાન્ય રકઝકના બનાવો પણ કેટલાક બન્યા હતા. રિઝર્વેશન લઇને મુસાફરી કરવા માટે પણ કેટલાક મુસાફરોએ અગાઉથી જ બુકીંગ કરાવી લીધું હતું. આજે પણ બુકીંગ માટે ભીડ જોવા મળી હતી. સતત ધમધમાટ વચ્ચે એસટી બસના સૂત્રોના જણાવ્યા મુજબ સારો એવો વકરો થયો છે. જોકે, મુસાફરોની ગરજનો લાભ લઇને કેટલાક ખાનગી વાહન ધારકોએ તકનો લાભ લઇને ભાડા વધુ વસૂલવા માટે પ્રયત્ન કર્યા હોવાની બૂમરાડ પણ ઉઠી રહી છે. એસટીની બસમાં પોતાના કોઇ સ્થળ પર જવા માટે એડવાન્સ બુકીંગ કરાવનાર મુસાફર કુકમા પાસે અટવાઇ ગયો હતો. બસના કન્ડક્ટર અને ડેપોના અધિકારી દ્વારા તેના નંબર પર જાણ કરવામાં આવી હતી કે, બસ આવી ગઇ છે. તેવા સંજોગોમાં આ મુસાફર દ્વારા થોડી રાહ જોવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ અડધી કલાકથી વધુ સમય નિકળી જાય તેમ હોઇ અને અન્ય મુસાફરોનું ધ્યાન રાખવાના હેતુથી બસના કન્ડક્ટરે માગણી સ્વિકારી ન હતી.