ભચાઉમાં બે શખ્સોએ એક મહિલાને મારી નાખવાની ધમકી આપી ઓરડીમાં આગ લગાડી

ભચાઉ નજીક આવેલી એક વાડીની ઓરડીમાં ઘૂસી બે શખ્સોએ એક મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. આ શખ્સોએ ઓરડીમાં આગ ચાંપી રૂા. 40,000થી 50,000નું નુકસાન કર્યું હતું. ભચાઉ નજીક નંદાસર તળાવની સામે બધાભાઇ દેસર રબારીની વાડી ઉપર રહેતા બાલુબેન વિભા કોળી નામના મહિલા ગત તા. 1/11ના રાત્રે ઓરડી પર હતા ત્યારે હલરા ગામના ગેલા ભચુ કોલી અને મંગા ગેલા કોળી ત્યાં આવ્યા હતા. આ મહિલાનો દીકરો આ આરોપીની દીકરીને લઇને ક્યાંક ચાલ્યો ગયો હોવાથી તેનું મનદુ:ખ રાખી આ શખ્સો હથિયારો સાથે આવ્યા હતા. આ બંનેએ ઓરડીમાં રાખેલા કપડાં, ખાટલા, ગાદલા, રસોડાના સામાન તથા રોકડ રકમ તમામમાં આગ ચાંપી દીધી હતી અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રૂા. 40,000થી 50,000નું નુકસાન કરનારા આ બંને શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.’