ભુજમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઈસમ બાઈકની તસ્કરીમાં પકડાયો

ભુજ ભૂતકાળમાં તસ્કરીઓ સહિતના ચાર ગુનામાં પોલીસના ચોપડે ચડી ચૂકેલો ભુજનો અમીન કાસમ નોડે ફરી બાઇકની ચોરીના કેસમાં કાયદાના સકંજામાં આવ્યો છે. ભુજમાં એરપોર્ટ રિંગરોડ ઉપર ગાંધીનગરીમાં રહેતા અમીન કાસમ નોડેને શાંતિનગર તરફથી શંકાસ્પદ બાઇક સાથે આવતાં પોલીસે ઝડપી પાડ્યો હતો. આ પછી પૂછતાછમાં તેણે આ દ્વિચક્રીવાહનની તસ્કરી કરી હોવાનું અને 36 ક્વાર્ટર્સ પાસેથી રાત્રિના અરસામાં તેણે વાહનની તસ્કરી કરી હોવાની કબૂલાત આપી હતી. ભુજ એ ડિવિઝન પોલીસે બાઇકના માલિક મોહમદઆરીફ અહેમદભાઇ ધાફરાનીને બોલાવી તેમની ફરિયાદ લઇ ઈસમ સામે ગુનો નોંધાવ્યું હતો. આઇ.જી. અને એસ.પી.ની સૂચના અન્વયે નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલનાં માર્ગદર્શન તળે પી.આઇ. પી.વી. વાઘેલા સાથે પી.સી.આર. ઇન્ચાર્જ ભગવાનજી આર. જાડેજા તથા સ્ટાફના સભ્યો તપાસમાં જોડાયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું.