લખતરના ડેરવાળા ગામ પાસેથી 28 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો
 
                
લખતર પોલીસે તાલુકાનાં ડેરવાળા ગામ પાસેથી કન્ટેઈનર સહિત 28 લાખનાં મુદ્દામાલ સાથે વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. તેની સાથે ઉત્તરપ્રદેશનાં ઈસમ (કન્ટેઈનર ચાલક)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી લખતર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂ-જુગારની બદીઓને ડામવા માટે સૂચના આપવામાં આવેલી છે. ત્યારે હાઇ-વે પર તસ્કરીનાં બનાવો પણ વધી રહ્યા છે. જેને ધ્યાને લઇને લખતર પોલીસનાં પીએસઆઇ એમ.કે. ઈશરાણી, જયદીપસિંહ ઝાલા, કુલદીપસિંહ, પ્રહલાદભાઈ અને ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતા.તે સમયે લખતર તાલુકાનાં કળમ-ડેરવાળા રોડ ઉપર ડેરવાળા પાસે આવેલા હનુમાનજીના મંદિર નજીક એક કન્ટેઈનર શંકાસ્પદ હાલતમાં જણાયું હતું. ત્યારે અંદર દારૂ હોવાનું જાણવા મળતાં પોલીસે લખતર પોલીસ મથકે કન્ટેઈનર લાવી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે કન્ટેઈનર ચાલક રિઝોર, ઉત્તર પ્રદેશના કરણ સત્યવિરસિંહ યાદવે પકડી પાડ્યો હતો. તો અન્ય એક અજાણ્યો ઈસમ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.બાદમાં લખતર પોલીસે કન્ટેઈનર ખોલી તપાસ કરતાં જુદી-જુદી બ્રાન્ડની રૂ.18,33,540ની કિંમતની 7032 બોટલ, રૂ.5,000નો એક મોબાઈલ, રોકડ રૂ.1000 અને રૂ. 10,00,000નું કન્ટેનર સહિત રૂ.28,39,54નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં કન્ટેઈનરના ચાલક અને અન્ય નાસી જનાર એક અજાણ્યા ઈસમ તેમજ દારૂ મોકલનાર તથા તપાસમાં ખૂલે તે તમામ સામે વિરુદ્ધ ફરિયાદ લખાવી કેસની વધુ કાર્યવાહી લખતર પીએસ.આઇ. એમ.કે. ઈશરાણી ચલાવી રહ્યા છે.
 
                                         
                                        