થલતેજ ગુલાબ ટાવર પાસે સોમેશ્વર પાર્કના મકાનમાંથી 17 લાખની તસ્કરી
 
                
થલતેજ ગુલાબ ટાવર પાસે સોમેશ્વર પાર્ક-2માં અંકિતભાઈ દરજી પરિવાર સાથે રહે છે અને રકનપુર સાતેજ ખાતે અંકિત ગ્રાફિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરી ધરાવે છે.સવારના અરસામાં અંકિતભાઈ ફેક્ટરી ગયા હતા. ત્યારે તેમના માતા-પિતા અને પત્ની એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. રાત્રીના અરસામાં અંકિતભાઈ ઘરે આવ્યા અને જોયું તો ઘરના પાછળના બે દરવાજા તૂટેલા હતા, જેથી તેમણે ઘરમાં જઈને જોયું તો તિજોરી કબાટના તાળા તૂટેલા હતા. તેમ જ ઘરવખરી અને અન્ય સામાન પણ વેરવિખેર હાલતમાં પડયો હતો.આ અંગે સોલા પોલીસે તપાસ કરતા અંકિતભાઈના મકાનમાંથી તસ્કરો રોકડા રૂ.5 લાખ, 12.37 લાખના દાગીના મળીને કુલ રૂ.17.37 લાખની મતાની તસ્કરી કરી ગયા હતા. ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા છે જે પોલીસે જોતા એક તસ્કર તેમના મકાનના પાછળના દરવાજાનો તાળું તોડી બંગલામાં ઘૂસ્યો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધી સીસીટીવીમાં કેદ થયેલા તસ્કરને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
                                         
                                        