કણભા તાલુકા નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 1 શખ્સનું મોત

કરજણ તાલુકાના ચોરંદા ગામે લગ્ન પ્રસંગ પત્યા બાદ ટ્રેક્ટરમાં મંડપનો સામાન ભરીને પાદરા તાલુકાના વણછરા ગામે ટ્રેક્ટર જતું હતું. ત્યારે કરજણ-ઉમજ રોડ ઉપર કણભા અને ચોરભુજ ગામ વચ્ચે સામેથી આવતી હાઈવા ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મંડપનો સામાન ભરીને જતા ટ્રેક્ટર સાથે અકસ્માત કર્યો હતો.ટ્રક રોડની બાજુમાં આવેલા ઝાડમાં ઘૂસી જતાં ટ્રકમાં સવાર ત્રણ શખ્સોમાંથી એક અજાણ્યા શખ્સને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે શખ્સોને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને ભાગી છૂટ્યો હતો. ટ્રેકટરમાં સવાર સચીનભાઈ રાઠોડને કમરના ભાગે સામાન્ય ઇજાઓ થવા પામી હતી. પોલીસે મરનાર અજાણ્યા શખ્સની લાશને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. માટે મોકલી આપી ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.