જામનગર જિલ્લામાં ધોરીમાર્ગ પર વાહનોમાં લૂંટ ચલાવનારો ઈસમ દોઢ દાયકા બાદ પકડાયો, પોલીસે સુરેન્દ્રનગરથી પકડી પાડ્યો

જામનગર જિલ્લામાં ધોરી માર્ગ પર વાહનોને આંતરી લૂંટ ચલાવનાર ટોળકીનો મુખ્ય સૂત્રધાર દોઢ દાયકા પછી પોલીસના સકંજામાં આવ્યો છે. જામનગર પોલીસની પેરોલ ફર્લો સ્કવોડે લાલપુર-જામજોધપુર વચ્ચે ગોપ નજીક વર્ષ 2006માં વાહનો આંતરીને લૂંટ કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર એમ.પી.ના શખ્સને સુરેન્દ્રનગરના વડાલી ગામમાંથી પકડી પાડ્યો હતો.જિલ્લાના લાલપુર-જામજોધપુર ધોરીમાર્ગ પર ગોપ પાસે પસાર થતા વાહનોને આંતરીને લૂંટ ચલાવવામાં આવી હતી. વર્ષ 2006નો આ ગુનો જામજોધપુર પોલીસ મથકમાં નોંધાયો હતો. જેમાં મગન નાનસીંગ રે. ખડલી પાડા, જિલ્લો-ધાર, મધ્યપ્રદેશ નામનો મુખ્ય સૂત્રધાર નાશતો ફરતો હતો. તાજેતરમાં જામનગર જિલ્લા પોલીસ દ્વારા નાશતા ફરતા ઇસમોને ઝડપી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. જેના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના વડાલી ગામમાં આ લૂંટારૂ ઈસમ મગન નાનસીંગને પોલીસે પકડી પાડ્યો હતો. ઈસમને જામજોધપુર પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો છે.આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઈ ગરચર તથા સ્ટાફ ના લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા,મેહુલભાઇ ગઢવી, ધર્મેન્દ્ર વૈષ્ણવ દ્વારા કરવામાં આવેલ છે.