કડી પંથકમાં ઊંટવા ખાતે એક મકાનમાં રૂ. એક લાખથી વધુના સોના-ચાંદીના દાગીના લઇ તસ્કરો પલાયન

કડી પંથકમાં આવેલા ઊંટવા ખાતે એક ઘરમાં દિવસ દરમિયાન તસ્કરો ઘરમાં પ્રવેશ કરી રૂપિયા 1 લાખ 47 હજારના સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. મહેસાણા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લાના વિવિધ શહેરોમાં લાખોની તસ્કરી થઈ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. એવામાં વધુ એક ઘટના સામે આવતા હવે પોલીસ પણ ચિંતામાં મુકાઈ છે.ઊંટવા ખાતે રહેતા ઠાકોર કાળાજી ડાહ્યાજી પોતાના નિત્ય ક્રમ મુજબ ટ્રેક્ટર લઈને ગયા હતા. બાદમાં તેમના બાળકો બપોરના અરસામાં ભેંસો ચારવા માટે ઘરને તાળું મારી ચાવી મીટર પર મૂકી ખેતરે ગયા હતા. જો કે તેઓ પાછા ફર્યા ત્યારે મીટર પર ચાવી ના મળતા આસપાસ તપાસ કરી હતી. આખરે ચાવી ના મળતા ફરિયાદી કાળાજીએ તાળું તોડી નાખ્યું હતું.ઘરમાં તપાસ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં જોવા મળતા ફરિયાદી ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તિજોરીમાં મુકેલા દાગીના અજાણ્યા શખ્સો તસ્કરી કરી રફુચકર થઈ ગયા હતા. જેમાં તસ્કરો તિજોરીમાંથી એક તોલાનો સોનાનો દોરો, સોનાની બુટ્ટી, એક તોલાની ઝૂમર, 3 ચાંદીના મંગળસૂત્ર સહિતના દાગીના જેની કિંમત કુલ રૂ. 1 લાખ 47 હજારની મત્તાની તસ્કરી કરી પલાયન થયા હતા. જેથી આ સમગ્ર બાબતે કાળાજી ઠાકોરે અજાણ્યા શખ્સો સામે કડી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.