શ્રીનાથ સોસાયટીના ગેટ સામેથી રાહદારી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તોડી બાઈક પર બે ચેઇનની ચીલઝડપ

કલોલની શ્રીનાથ સોસાયટીમાં લગ્ન પ્રસંગે ગયેલા રાહદારી મહિલાના ગળામાંથી 80 હજારની કિંમતનું મંગળસૂત્ર તોડીને બાઈક પર આવેલા બે ચેઇનની ચીલઝડપ કરી ફરાર થઈ જતાં કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અમદાવાદના માધુપુરા પ્રગતિ રેસિડેન્શિમાં રહેતા આઈટીઆઈનાં ઈન્ટ્રકટર સંજય અમૃતલાલ પટેલ કલોલ શ્રીનાથ રેસિડેન્શિમાં રહેતાં ફોઇ કાંતાબેનનાં ઘરે લગ્ન પ્રસંગમાં પત્ની મિત્તલબેન તેમજ દીકરીને લઈને આવ્યા હતા.સવારના અરસામાં માંડવીની વિધિ પૂર્ણ કરી બપોરના અરસામાં મામેરાની પણ વિધિ પૂર્ણ થઈ હતી.બાદમાં મિત્તલબેનને કપડાં બદલવાના હતા. જે ગાડીમાં પડ્યા હતા. અને સંજયભાઈએ ગાડી સોસાયટીથી થોડેક દૂર પંચવટી હોટલ ખાતે પાર્ક કરી હતી. જેથી પત્ની સાથે તેઓ પણ કપડાં લેવા સાથે ગયા હતા. ગાડીમાંથી કપડાં લઈ લીધા પછી પરત તેઓ શ્રીનાથ સોસાયટી તરફ જઈ રહ્યા હતા. એ સમયે સોસાયટીના ગેટ આગળના રોડ પર અચાનક બાઈક પર આવેલા બે ચેઇન સ્નેચર પૈકી પાછળ બેઠેલા ઇસમે મિત્તલબેનના ગળામાંથી 80 હજારની કિંમતનું મંગળસૂત્ર તોડી લીધું હતું. અને કે આઈ આર સી કોલેજ તરફ ભાગી ગયા હતા.લગ્ન પ્રસંગની અવરજવર હોવા છતાં દોરો તૂટતાં મિત્તલબેન એકદમ ગભરાઈ ગયા હતા. અને સંજયભાઈએ બૂમાબૂમ કરી લુટારુની શોધખોળ કરી હતી પંરતુ કયાંય પત્તો લાગ્યો ન હતો. જો કે લુટારુના હાથમાં અડધું જ મંગળસૂત્ર આવ્યું હતું. આ અંગે કલોલ શહેર પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.