ભુજ શહેરમાં નોકરીના નામે ફોન કરી ભુજનાં ગૃહિણી સાથે 40 હજારની ઓનલાઇન છેતરપિંડી

ભુજ શહેરમાં નોકરીયાત ગૃહિણી સાથે નોકરીની વાત કરીને તેના બેન્કના ખાતામાંથી રૂા. 39998 હળવા કરી લેવા સાથે ઓનલાઇન છેતરપિંડી કરાઇ હોવાનો કિસ્સો પોલીસ દફતરે ચડયો હતો. શહેરમાં કોટ અંદરના નાગર ચકલા વિસ્તારમાં વોરા સાતના ડેલા ખાતે રહેતા અને ઇન્ડીઅન ગેસ એજન્સીની કચેરીમાં નોકરી કરતા રીમાબેન વિશાલ પુંજ નામના ભોગ બનનારા આ જૈન ગૃહિણીએ અલગ અલગ બે મોબાઇલ ફોન નંબરના આધારે અજ્ઞાત શખ્સ સામે આજે ગુનો નોંધાવ્યો હતો. ભોગ બનનારે આ બાબતે અગાઉ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ-અરજી આપી હતી. જેના આધારે અત્રેના એ. ડિવિઝન પોલીસ સ્ટેશને દાખલ કરેલી આ ફરિયાદ મુજબ ભોગ બનનારા ગૃહિણી તેમની નોકરીએ હતા. ત્યારે તેમને તેમના મોબાઇલ ફોન ઉપર કોઇ અજાણી સ્ત્રીનો પોતે શાઇન જોબમાંથી બોલતા હોવાનો કોલ આવ્યો હતો. નોકરી માટે એપ્લાય કરવાનું જણાવી વિશ્વાસમાં લેવાયા બાદ અલગ અલગ બે ઓ.ટી.પી. નંબર મેળવીને રૂ. 39998 રીમાબેનના ખાતામાંથી સેરવી લેવાયા હતા.