તારાપુર કોર્ટમાંથી જજની ચેમ્બરમાંથી લેપટોપની તસ્કરી

તારાપુર કોર્ટમાંથી રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઇસમોએ કોર્ટમાં પ્રવેશી જજની ચેમ્બરમાંથી લેપટોપની તસ્કરી કરી હતી. આ બાબતે તારાપુર પોલીસે રૂપિયા 9500ની કિંમતના લેપટોપ તસ્કરીની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.તારાપુરની જેએમએફસી કોર્ટમાં મહોમ્મદભાઈ આરીફભાઈ મહેબુબમિયાં શેખ રજિસ્ટાર તરીકે ફરજ બજાવે છે. રવિવાર સવારના અરસામાં તેઓ તેમના ઘરે હાજર હતા ત્યારે એ સમયે કોર્ટમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા મનહરભાઈ પ્રજાપતિનો તેમનો ફોન આવ્યો હતો અને તેમણે કોર્ટના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હોવાની જાણ કરી હતી. જેને પગલે તેઓ તાબડતોડ કોર્ટમાં પહોંચી ગયા હતા. જ્યાં તપાસ કરતાં મોટાભાગના કાગળ સહીસલામત હતા.પરંતુ જજની ચેમ્બરનું તાળું તોડી તસ્કરોએ રૂપિયા 9500ની કિંમતનું લેપટોપની તસ્કરી કરી હતી. આ તસ્કરી રાત્રિના અરસામાં થઈ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.