બ્રાહ્મણવાડા ચેકપોસ્ટથી રૂ. 72 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે ઈસમ ઝડપાયા

ઊંઝા પોલીસના સ્ટાફે સિદ્ધપુર તરફથી આવી રહેલી એક કારને બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ નજીક રોકી તપાસ કરતાં તેમાંથી રૂ. 72 હજારનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલકને અને અન્ય એક ઈસમને પકડી પાડી દારૂ સહિત રૂ. 1,75, 500નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે.ઊંઝા પોલીસ સ્ટેશનના એસએસઆઈ મહંમદ આરીફ શેરખાન પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે સિદ્ધપુર તરફથી આવતી એક કારમાં દારૂ છે. જેથી બ્રાહ્મણવાડા ચેપ પોસ્ટે નજીક વોચ ગોઠવી પસાર થતી કાર નંબર જીજે 03 એફડી 9794ને રોકી હતી. જે કારમાં તપાસ કરતાં જુદી જુદી બ્રાન્ડની નાની મોટી 672 દારૂની બોટલ મળી આવી હતી. જ્યારે પોલીસે કાર ચાલકની પુછપરછ કરતાં તેનું નામ કનકસિંગ તનેરાસિંગ સાબરદાનસિંગ રાજપૂત હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાંથી કિંમત રૂ. 72000નો વિદેશી દારૂ. રૂ. 4 લાખની કાર અને રૂ. 5000નો એક મોબાઈલ મળી કુલ રૂ. 1,75, 500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે કારમાં બાજુમાં બેઠેલા ઈસમનું નામ પુછતાં શરીફખાન સલીમખાન વજીરખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું. ઊંઝા પોલીસે દારૂની હેરાફેરી કરતા બંને ઇસમોને પકડી પાડી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઊંઝા પોલીસ સ્ટેશને લવાયા હતા. જ્યાં ઊંઝા પોલીસે બંને ઇસમો સામે પ્રોહિબીશન એક્ટ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.