વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં 6 દુકાનોના શટરના તાળાં તોડી ચોરી

વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં 6 દુકાનોના શટરના તાળાં તોડી રોકડ સહિતની તસ્કરી કરી હતી અને વાલિયાચોક વિસ્તારમાં પાર્ક કરેલી ઇક્કોગાડી ઉઠાવી લઇ જઇ ટાઉન પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી. શિયાળામાં ઠંડીની મોસમ શરૂ થતાં જ તસ્કરો સક્રિય બની જાય છે અને પોલીસ દ્વારા પણ નાઈટ પેટ્રોલીંગ સહિત રાત્રિના અરસામાં પોઈન્ટ ગોઠવવામાં આવે છે છતાં પણ તસ્કરો દ્વારા વિરમગામ શહેરના મિલ ફાટક નજીક આવેલ કાળુભાઇની શાકભાજીની દુકાન તાળા તોડ્યા હતા. જેમાં તસ્કરોને કાંઇ હાથ લાગ્યું ન હતું. ભરવાડી દરવાજા પાસે રવિ મેડિકલમાંથી રૂપિયા 6,000 રોકડ અને કોસ્મેટિકની તસ્કરી,પારુલ મેડિકલ રૂપિયા 10,000 રોકડ તથા અન્ય વસ્તુઓ,ગોલવાડી-ભરવાડી રોડ એકતા મેડિકલ રૂપિયા 65,000 ની રોકડની તસ્કરી, ગોલવાડી રોડ વિદ્યાર્થી સ્ટોરની પાસે ઓમ મેડીકલમાં રૂપિયા 2500 ની રોકડની તસ્કરી, એસબીઆઈ બેન્ક પાસે આવેલ અરિહંત રેસીડેન્સી નીચે આવેલ કરિયાણાની દુકાનમાં રૂપિયા 5000 રોકડની તસ્કરી રાત્રિના અરસા દરમિયાન થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે વાલીયા ચોક વિસ્તારમાં પાર્ક કરેલી ઇક્કો ગાડી પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. જે બાબતની જાણ વિરમગામ ટાઉન પોલીસને થતા જે તે સ્થળ પર તપાસ અને નિવેદનો લઈ તસ્કરોનું પગેરું શોધવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.