ધ્રાંગધ્રા આર્મી સૈનિક સાથે 1.29 લાખની ઠગાઇ

ધ્રાંગધ્રા આર્મીમાં ફરજ બજાવતા જવાનને ફોન પર કુરીયર આવ્યાનું જણાવી ઓટીપી અજાણ્યા ઇસમોએ માગ્યો હતો. આથી જવાને આટોપી જણાવતા તેમના ખાતામાંથી રૂ.1.29 લાખ ઉપાડી લીધા હતા. આથી આ બનાવની જવાન દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશને સાઈબર ક્રાઈમ અંગે ફરિયાદ લખાવવામાં આવી હતી.સુરેન્દ્રનગરમાં ઓનલાઇન ચિટિંગ કરતી ગેંગ સક્રિય બની છે જેનો અનેક લોકો ભોગ બને છે. ત્યારે આવો જ એક બનાવ ધ્રાંગધ્રામાં બન્યો હતો. જેમાં આર્મી કેમ્પ ખાતે ફરજ બજાવતા મૂળ બિહારના અશોકકુમારગોરી રામાજ્ઞાગીરી પંડીત સૈનિક તરીકે ફરજ બજાવે છે. તા.25 નવેમ્બરના રોજ પોતાના વતન બિહાર રાજ્યમાં કુરીયર માટે ડાર્કબ્લુ કુરીયર નંબર ગુગલ પરથી લીધા બાદ તેમાં ફોન કરી કુરીયર કરવા માટે જણાવ્યું હતું.આથી સામેથી અન્ય નંબર આપી સ્થાનિક કુરીયર બોયનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેથી આર્મી સૈનિક પોતે કમાંન્ડરના બંગલા પર ફરજમાં હોવાથી તેવા સમયે સૈનિકના પત્નિ દ્વારા કુરીયર બોયને ફોન કર્યો હતો. જેથી સામેથી એક ઓ.ટી.પી નંબર મગાવેલ હતો.જે ઓટીપી નંબર આપવાની સાથે જ સૈનિકના બેંક ખાતામાંથી રૂપિયા 1.29 લાખ ઉપડ્યા હોવાની મેસેજ આવ્યો હતો. આ મેસેજ આવતાની સાથે જ સૈનિકને પોતાની સાથે ઠગાઇ થઈ ગઈ હોવાની જાણ થતા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવી હતી.