મહેમદાવાદ પંથકના માંકવા પાસે પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે એકનું મૃત્યુ

મહેમદાવાદ પંથકના માંકવા પાસે પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો છે. જેમાં એક અજાણ્યા 50 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો દાખલ કરી મરણજનારના વ્યક્તિની ઓળખ કરવા પ્રયાસ કર્યો છે.મહેમદાવાદ તાલુકાના માંકવા ગામની સીમમાંથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. રાત્રિના અરસામાં હાઇવે પેટ્રોલીંગના કન્ટ્રોલ પરથી જાણકારી મળી હતી કે માંકવા ગામ પાસે વડોદરા તરફ જતાં કોઈ અકસ્માત થયો છે. જેથી હાઈવે પેટ્રોલીંગના માણસો તુરંત બનાવ સ્થળે આવ્યા હતા. રોડની સાઇડમાં એક અજાણ્યા આશરે 50 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ ઘવાયેલી હાલતમાં મળ્યો હતો. આથી આ અંગેની જાણ મહેમદાવાદ પોલીસને કરવામાં આવતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં આ વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું છે. જે બાદ અકસ્માત કરનાર વાહનચાલક પલાયન થઈ ગયું છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.