ગળતેશ્વરના પડાલ ગામમાં દારૂ સાથે બે શખ્સો પકડાયા, કુલ 41,700નો મુદ્દામાલ કબજે કર્યો

સેવાલિયા પોલીસ અમદાવાદ-ઈન્દોર હાઈવે પર વાહનોના ચેકીંગમાં હતી. આ દરમિયાન ગોધરા તરફથી બાઈક પર વિમલનો થેલો લઈને આવતા બે શખ્સો દેખાતા તેમને ઉભા રહેવા જણાવ્યુ હતુ. જેથી ચાલકે વાહન ધીમુ પાડી અચાનક અમદાવાદ તરફ ફુલ સ્પીડે ભગાડ્યુ હતુ. પોલીસ જવાનોને શંકા જતા ફિલ્મી ઢબે બાઈકચાલકનો પીછો કર્યો હતો. તેમજ આ અંગેની જાણ પી.એસ.આઈ.ને કરતા તેઓ પોતાના સ્ટાફ સાથે થર્મલ નર્મદા કેનાલ નજીક ગોઠવાઈ ગયા હતા.જ્યાં પડાલ સાયફન્ડ આગળ જતા મોટર સાઈકલ સ્લીપ ખાઈ જતા બંને રોડ પર પટકાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેમની પાસે વિદેશી દારૂનો જથ્થો મળી આ‌વ્યો હતો. બંને શખ્સોની પૂછપરછ કરતા ગણેશભાઈ ઠાકોર અને કૈલૈશભાઈ ગુંડીયા હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે તેમની પાસેથી 94 નંગ ક્વાર્ટર જેની કિંમત 9400 રૂપિયા ગણી બાઈક અને રોકડ મળી કુલ 41,700નો મુદ્દામાલ કબજે કર્યો છે.