ભુજમાં બંધ મકાનમાંથી 4.95 લાખની માલમતાની તસ્કરી

ભુજ છેલ્લા કેટલાક સમયથી આ શહેરમાં એક પછી એક નાનીમોટી અનેક ઘરફોડ તસ્કરી કરવામાં સફળ થતા આવતા તસ્કરો શિયાળાની ઠંડી જામવા લાગવા વચ્ચે વધુ આક્રમક બન્યા હોય તેમ તેમણે રૂ. 4.95 લાખની માલમતાની વધુ એક ઘરફોડીને અંજામ આપ્યો છે. તો બીજીબાજુ મુંદરા પાસે શબરી કન્ટેનર ટર્મિનલ ખાતેથી સરસામાન તસ્કરી જવાયો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. શહેરમાં મુંદરા રિલોકેશન સાઇટ સ્થિત ઓધવપાર્ક-3 ખાતે રહેતા અરાવિંદ ગોરધનદાસ પોપટ નામના નિવૃતનું ઘર આ ઘટનામાં નિશાન બન્યું હતું. રાત્રિના અરસાથી બીજા દિવસે સાંજના અરસા સુધીમાં તેમના બંધ મકાનમાંથી મોટી તસ્કરી કરી જવાઇ હતી. શ્રી પોપટે નોંધાવેલી ફરિયાદને ટાંકીને પોલીસે આ વિગતો આપતા જણાવ્યું હતું કે મુખ્ય દરવાજાના સેન્ટ્રલ લોક અને નકુચા તોડીને હરામખોરો ઘરમાં ઘુસ્યા હતા. શયનકક્ષ સ્થિત કબાટમાંથી રૂ. 25 હજાર રોકડા અને 165 ગ્રામ વજનના સોનાના વિવિધ દાગીના, સિકકા, પરચુરણ વગેરે મળી કુલ્લ રૂ. 4.95 લાખની માલમતા તેઓ ચોરી કરી ગયા હતા. મોટી ઘરફોડ તસ્કરીની જાણ થતા ભુજ એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના તપાસનીશ ઇન્સ્પેકટર એ.સી. પટેલ સાથે સ્ટાફના સભ્યો દોડી જઇને છાનબીનની કાર્યવાહીમાં પરોવાયા હતા. તસ્કરોની ભાળ મેળવવા ગુનાશોધક ગંધપારખુ શ્વાન અને હસ્તરેખા નિષ્ણાતોની મદદ લેવાના પ્રયાસો પોલીસે હાથ ધર્યા હતા. બીજીબાજુ મુંદરા નજીક કાર્યરત શબરી કન્ટેનર ટર્મિનસ ખાતે રાત્રિના અરસા દરમ્યાન રૂ. 11630નો ઇલેકટ્રીકલ અને મિકેનીકલને લગતો સરસામાન ચોરાયો હતો. આ બાબતે મનીકાન્ડન પટેયન દ્વારા ફરિયાદ નોંધાવતાં મુંદરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હોવાનું પોલીસે ઉમેર્યું હતું.