ભુજમાં આર.ટી.ઓ.રિલોકેશન સાઇટ એન્કરવાલા ચકરાવા પાસે ગૃહિણીના ગળામાંથી પેન્ડલ સાથેની ચેઇનની ચીલઝડપ

ભુજ, જિલ્લાના આ મુખ્ય મથકે શહેરના પ્રવેશદ્વાર સમાન સતત ધમધમતા માર્ગે આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, એન્કરવાલા ચકરાવા પાસે ઉષાબેન વસંતભાઇ નારાણભાઇ ઠક્કર નામના પ્રૌઢ મહિલાના ગળામાંથી રૂ. 90 હજારની સોનાની ચેઇનની ચીલઝડપ થવાનો કિસ્સો બનતાં કાયદાના રક્ષકો દોડધામમાં પડી ગયા છે. મુંદરા નજીકના બારોઇ ગામના આશુતોષધામ ખાતે રહેતા 55 વર્ષની વયના ઉષાબેન ઠક્કર આ ઘટનામાં ચીલઝડપનો ભોગ બન્યા હતા. રાત્રિના અરસામાં બાઇક ઉપર આવેલો અજાણ્યો ચાલક તેમના ગળામાંથી સોનાના પેન્ડલ સાથેની ઇમિટેશન જ્વેલરીની ચેઇન ખેંચી ગયો હતો. ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે ફરિયાદને ટાંકીને આ વિગતો આપતાં જણાવ્યું હતું કે ખેંચી જવાયેલી ચેઇનની કિંમત રૂ.90 હજાર અંકારવામાં આવી છે. સબ ઇન્સ્પેક્ટર એમ.આર. મહેશ્વરીએ કેસની કાર્યવાહી હાથ ધરી છે. આ શહેરમાં મહિલાઓના ગળામાંથી ચેઇનની ચીલઝડપ થવાના બે કિસ્સા તાજેતરના દિવસોમાં બની ચૂકયા છે. આવા સમયે ફરી પાછી આવી ઘટના બનતાં કાયદાના રક્ષકોની દોડધામ વધી પડી છે.