પૂર્વ કચ્છમાં બે દરોડામાં 1.84 લાખનો દારૂ કબજે

પૂર્વ કચ્છમાં એલ.સી.બી.એ બે જુદી જુદી કાર્યવાહી કરી રૂ.1,84,610ના અંગ્રેજી દારૂ સાથે ત્રણ ઈસમની ધરપકડ કરી હતી. મેઘપર બોરીચીની બાગેશ્રી સોસાયટીમાં રહેનાર મૂળ નલિયાનો મિશાલગિરિ દિનેશગિરિ ગુંસાઇ નામનો ઇસમ પોતાના ઘરે ગાડીમાં દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમી એલ.સી.બી.ને મળી અને બાગેશ્રી સોસાયટીના મકાન નંબર 23માં તપાસ હાથ ધરી હતી. આ ઘરના પ્રાંગણમાં ઊભેલી કાર નંબર જી.જે. 05 સી.કે. 0113ને ખોલાવતાં તેમાં વચ્ચેની સીટ તથા પાછળની સીટમાં દારૂની પેટીઓ ભરેલી હોવાનું બહાર આવ્યું હતું. આ કારમાંથી મેકડોવેલ્સ નંબર 1ની 750 એમ.એલ.ની 312 બોટલ, ગ્રીન લેબલ 750 એમ.એલ.ની 15 બોટલ એમ કુલ રૂ.1,22,250નો દારૂ કબજે કરી આ મિશાલગિરિ ગુંસાઇની ધરપકડ કરવામાં આવી હતી. આ ઈસમ પાસેથી દારૂ, કાર, મોબાઇલ તથા પૂનમસિંહ ગોપાલ ગઢવીનું વીજ વપરાશનું બિલ વગેરે મળીને કુલ રૂ.11,27,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડા પહેલાં અન્ય એક કામગીરી એલ.સી.બી.એ કરી હતી. નરેશ વિશનદાસ તેજવાણી તથા નરેશ મૂળજી ફફલ નામના ઇસમો કારમાં દારૂ ભરી ટાગોર રોડથી મુંદરા સર્કલ બાજુ જવાના છે તેવી પૂર્વ બાતમીના આધારે પોલીસે કોર્ટની સામે જમ્પ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર નંબર જી.જે. 01 કે.જે. 0100 વાળી આવતાં અને જમ્પ પાસે ધીમી પડતાં પોલીસે તેને રોકાવી હતી. પોલીસને જોઇ ચાલક દરવાજો ખોલી નાસવા જતાં તેને ઝડપી પાડ્યો હતો. નરેશ ઉર્ફે નીતિન તેજવાણી (સિંધી) તથા નરેશ ફફલને એલ.સી.બી. કચેરીએ લઇ જવાયો હતો. જ્યાં આ કારમાંથી રોયલ ચેલેન્જ 750 એમ.એલ.ની 48 બોટલ, સિગ્નેચર રેર એઝેડ 750 એમ.એલ.ની 10 બોટલ, ઓફિસર્સ ચોઇસ 750 એમ.એલ.ની 16 બોટલ, સિગ્નેચર રેર 375 એમ.એલ.ની 24 બોટલ, ઓફિસર્સ ચોઇસ 375 એમ.એલ.ની 4 બોટલ તથા ઓલ સિઝન્સ ગોલ્ડ કલેક્શન 375 એમ.એલ.ની 22 બોટલ એમ 144 બોટલ કિંમત રૂ.62,360ના દારૂ સાથે બંનેની અટક કરવામાં આવી હતી.