લિંબાયત વિસ્તારમાં પુસ્તક વિક્રેતા સાથે રૂ. 19 લાખની છેતરપિંડી

લિંબાયત વિસ્તારમાં બુક વેચાણમાં કામ કરતા વેપારી સાથે 19.13 લાખ રૂપિયાની ઠગાઇ થઈ છે. લિંબાયત શાંતિનગરમાં રહેતા મુકેશ ભુપેન્દ્રભાઈ ચૌધરી ઘરે સ્ટેશનરી વેચાણનું કામ કરે છે. તેઓ સ્કૂલ બુક મુંબઈની જીવનદીપ ઇડુમીડિયા પ્રા.લિ.કંપનીમાંથી બુક મંગાવીને સુરતમાં એજ્યુકેશન ટ્રસ્ટ અને દુકાનોમાં વેચે છે.મુંબઈની જીવનદીપ ઇડુમીડિયા કંપનીએ મનોજ ઘીવાલાને નોકરી પર રાખ્યો હતો. મનોજ ઘીવાલા ફરિયાદી મુકેશ ચૌધરીના ઓર્ડર મુજબના બુક કંપનીમાંથી લાવીને મુકેશ ચૌધરીને આપતો હતો. મનોજને જીવનદીપ ઇડુમીડિયા કંપની પગાર ચુકવતી હતી. ત્યાર બાદ મુકેશના ગ્રાહકોને પણ મનોજ બુકની ડિલિવરી આપતો હતો. તેનું પેમેન્ટ પણ ગ્રાહકો પાસેથી લઈને મનોજ ફરિયાદી મુકેશને આપતો હતો.છેલ્લા બે વર્ષમાં મનોજે ફરિયાદી મુકેશના ગ્રાહકોને બુક આપીને તેમની પાસેથી પેમેન્ટ લઈને મુકેશની દુકાને જમા કરાવ્યા ન હતા. આવી રીતે 19.13 લાખ રૂપિયા દુકાન પર જમા કરાવ્યા નહતા. મુકેશ ચૌધરીએ ઈસમ મનોજ ઘીવાલા વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ લખાવી છે.