આણંદમાં વૃદ્ધા સાથે રૂ.1.85 લાખની ઠગાઇ કરનારા બે સાગરીતો પકડાયા

આણંદ શહેરના ન્યુ ગ્રીન પાર્ક સોસાયટીમાં એકલા રહેતા વૃદ્ધ દંપતી સાથે બે સાગરીતોએ રૂ.1.85 લાખની છેતરપિંડી આચરી હતી. આ કેસમાં આણંદ સ્થાનિક ગુના શોધકશાખાએ ખેડબ્રહ્મા ખાતે દરોડો પાડી બન્ને સાગરીતોને ઝડપી પાડ્યાં હતાં. આ બન્ને ઈસમ અગાઉ વડોદરાની છેતરપિંડીમાં પણ સંડોવાયેલા હતાં. પોલીસે તેમની પાસેથી કાર પણ જપ્ત કરી હતી.આણંદ શહેરના એચએમ પટેલ સ્ટેચ્યુ રોડ પર આવેલી ન્યુ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા વયોવૃદ્ધ દંપતી નગીનભાઈ પટેલ અને પુષ્પાબહેન પટેલ સાથે છેતરપિંડીનો કિસ્સો બન્યો હતો. નગીનભાઈ પટેલી 1લી ડિસેમ્બર,21ના સવારના અરસામાં કામ અર્થે માતર ગયાં હતાં. આ દરમિયાન પુષ્પાબહેન ઘરે એકલા જ હતાં. આ સમયે તેમના ઘરે બે સાગરીતો આવ્યાં હતાં અને સિનિયર સીટીઝન પેન્શનર્સ એકલા રહેતા હોય તેમને સરકારી સહાય આપવાની છે, તેમ કહી રૂ.1.85 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન આણંદ સ્થાનિક ગુના શોધકશાખાને બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા મુકામે રહેતો કબીર ઉર્ફે કિશોર પ્રહલાદ વાઘેલા પાસે સફેદ રંગની વર્ના ગાડી છે, તે અગાઉ વડોદરામાં છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા છે. જે હજુ પણ સક્રિય છે. આ બાતમી આધારે એલસીબીની ટીમ ખેડબ્રહ્મા મુકામે પહોંચી વોચ ગોઠવી હતી. આખરે બન્ને સાગરીતો ઝડપાયા હતાં. જેની પુછપરછ કરતાં કબીર ઉર્ફે કિશોર પ્રહલાદ વાઘેલા અને અજય ધનરાજ સુથાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી કાર સહિત રૂ.8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી.