આદિપુર કોર્ટ સામે કારમાંથી 144 બોટલ દારૂ સાથે બે ઇસમો ઝડપાયા

આદિપુર મધ્યે કોર્ટ સામે એલસીબીએ કારમાંથી 144 બોટલ દારૂ સાથે બેની અટક કરીને કુલ 4.08ની મત્તા કબજે કરી હતી. પુર્વ કચ્છ પોલીસની એલસીબીને મળેલી બાતમીના આધારે રોટરી સર્કલ, કોર્ટ સામે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી અનુસારની કાર આવતા તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો તો સ્પીડબ્રેકર હોવાથી કાર ધીમી પડતા ચાલકે દરવાજો ખોલીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ચોતરફથી કોર્ડન કરીને તેને બેસાડી દીધો હતો.કાર રોકાવીને તપાસ કરતા તેની પાછલી સીટમાં ગુપ્ત ખાનું મળ્યું હતુ, જેમાં દારૂની બોટલો દેખાતી હતી. નજીક રહેલી એલસીબી કચેરીએ કારને ખસેડીને તપાસ કરતા જુદી જુદી બ્રાંડની કુલ 144 બોટલ મળી હતી, જેની કિંમત 62 હજાર થવા જાય છે. જે સાથે પોલીસે કારમાં રહેલા શખ્સ નરેશ ઉર્ફે નીતીન વિસનદાસ તેજવાણી અને નરેશ મુળજીભાઈ ફુફલને પ્રોહી. ની કલમો તળે ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. પ્રોહી. મુદામાલ સાથે કાર, રોકડ 29,900, ત્રણ મોબાઈલ મળીને કુલ 4,08,260ની મતા કબજે કરાઈ હતી.