દાંતાના રતનપુર ગામે બાબરીમાં આપેલું તપેલું લેવા જતાં ધારિયા અને હોકીથી હુમલો

દાંતા તાલુકાના રતનપુર ગામે બાબરીમાં આપેલું તપેલું પરત લેવા જતાં બે મહિલાઓ સહિત ચાર જણાંએ ધારીયા, હોકીથી હુમલો કરી ઇજાઓ કરી હતી. આ અંગે દાંતા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.દાંતાના રતનપુરમાં રહેતા કોકીલાબેન પ્રવિણભાઇના ઘરે મહેમાન આવવાના હોઇ અગાઉ બાબરી પ્રસંગે આપેલું તપેલું લેવા માટે તેમના સાસુ તેમના કુટુંબી વિક્રમભાઇ બળદેવભાઇના ઘરે ગયા હતા. જોકે, તપેલું નહી મળે તેમ કહી વિક્રમભાઇ, ભરતભાઇ બળદેવભાઇ, બબીબેન વિક્રમભાઇ અને અળખીબેન બળદેવભાઇએ ધારીયા, હોકી અને છુટા પથ્થર મારી હુમલો કર્યો હતો. આ અંગે કોકીલાબેને દાંતા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી.