ગોંડલના કૈલાસબાગ વિસ્તારમાં કારમાંથી એક લાખનો દારૂ જપ્ત

ગોંડલમાં રાત્રિના અરસામાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરતા ચાલક કૈલાશ બાગમાં કાર રેઢી મુકી નાશી ગયો હતો.પોલીસે કારની તલાશી લેતા રૂ.એક લાખ નો દારૂ મળી આવતા કાયદેસરની તપાસ હાથ ધરી છે. રાત્રીના અરસામાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમા હતો ત્યારે મહેન્દ્રભાઈ ખિમસુરીયા તથા વિશાલભાઈ સોલંકીને મળેલી બાતમીના આધારે ગુંદાળા પેટ્રોલ પંપ પાસેથી પુરઝડપે પસાર થઈ રહેલી કારનો પીછો કરતા કાર ચાલકે કાર ભગાડી હતી અને કૈલાશબાગ રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા.બાદમાં કાર ચાલક કૈલાશબાગ સોસાયટી ભાટીયા શેરીમા ખુલ્લા પ્લોટમાં કાર રેઢી મુકી અંધારામાં નાશી ગયો હતો.જો કે બે પોલીસ સાથે હતા તેમ છતાં તે એકલો બન્નેને હાથતાળી આપીને નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાથી રૂ.1,03,200 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાર સહિત રૂ.3,03,200 નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.પીઆઈ.શંગાડાના માર્ગદર્શનમાં સ્ટાફના યુવરાજસિંહ જાડેજા,મહેન્દ્રભાઈ ખિમસુરીયા, વિશાલભાઈ સોલંકી, યુવરાજસિંહ ગોહિલ, જયંતિભાઈ સોલંકી, દિવ્યરાજસિંહ જાડેજા, મહીલા કોન્સ્ટેબલ તુલજાબેન ગોંડલીયાએ તપાસ કરી હતી. કાર આણંદ પાસિંગની હોઈ માલિક અંગે આરટીઓમાં તપાસ કરાઇ છે. અને તેના આધારે કાર માલિકની ઓળખ મેળવવા તપાસ આરંભાઇ છે.