સરથાણામાં મકાન વેચવાના બહાને 40 લાખની ઠગાઇ
 
                
સરથાણામાં મકાન વેચાણ પેટે 40 લાખ રૂપિયા મેળવીને લઈને મકાનના માત્ર અડધા ભાગનો દસ્તાવેજ કરી આપીને ઠગાઇ કરાઈ હતી. સરથાણા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ કતારગામમાં રામકથા રોડ પર કેન્ડલવુડ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશ વલ્લભ કુકરીયા જમીન લે-વેચનું કામ કરે છે. તેઓએ સરથાણામાં યોગેશ્વર રો-હાઉસમાં આવેલ રોહિત ધીરુભાઈ ત્રાપસિયા સાથે તેમના મકાનનો સોદો કર્યો હતો. સોદો 35 લાખ રૂપિયામાં કર્યો હતો. એડવાન્સમાં 20 લાખ રોહિતને આપ્યા હતા. ત્યારબાદ રમેશ કુકરીયાને ખબર પડી કે જે મકાનનો તેઓએ સોદો કર્યો છે તેના ગ્રાઉન્ડ ફ્લોરની ફાઈલ પર લોન લીધી છે.સોદો કર્યો ત્યારે રોહિતે આ વાત છુપાવી હતી. તેથી રમેશ કુકરીયાએ સોદો રદ્દ કરવાની વાત કરીને પોતાના રૂપિયા પરત માંગ્યા હતા.ત્યારે રોહિતે કહ્યું કે સોદો રદ્દ ન કરો,અમે લોનની રકમ ભરીને આખું મકાન તમારા નામે કરી દઈશું. તેથી રમેશે તેમના પર વિશ્વાસ કરીને બીજા 15 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ રોહિતે વધુ રૂ.5 લાખ રમેશ પાસેથી લીધા હતા. ત્યારબાદ પણ રોહિતે માત્ર પહેલો માળ અને પતરાવાળી રૂમનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોરના માળનો દસ્તાવેજ આપ્યો નહતો. રમેશ કુકરીયાએ રોહિત અને તેની પત્ની મીનાબેન વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં રૂપિયા 40 લાખની ઠગાઇની ફરિયાદ લખાવી છે.
 
                                         
                                        