કડીમાં 16, પાટણ, બાવલુ અને કલોલમાં 1-1 ચોરી કરનાર કડીનો ઈસમ પકડાયો

કડીના કસ્બામાં રહેતા ઘરફોડ ચોર યાસીન ઉર્ફે ટાઈગર પઠાણને એસઓજીએ રૂપિયા 34 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. કડીના યાસીન પઠાણ સામે અત્યાર સુધી 19 જેટલાં ઘરફોડ ચોરીના ગુના લખાવેલા છે.એસઓજી પીઆઈ બી.એચ. રાઠોડ સહિતની ટીમ કડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે નરેશકુમાર અને અબ્દુલગફારને મળેલી બાતમી આધારે થેલીમાં શંકાસ્પદ ચીજ વસ્તુઓનુ વેચાણ કરવા નીકળેલાં કડીના કસ્બા વિસ્તારમાં ઈમામકુઈ રોડ નજીક રહેતા યાસીન ઉર્ફે ટાઈગર કાલેખાન પઠાણને પકડી પાસેથી રૂ. 22,598 ની કિંમતની ચાંદીની વસ્તુઓ, 10,130 રોકડ અને મોબાઈલ મળી રૂપિયા 34,228નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પકડાયા  બાદ યાસીન પઠાણની પ્રાથમિક પૂછપરછમાં તેણે 4 દિવસ અગાઉ મોરબી શહેરમાં ખાટકી વાસ નજીક ગોસ્વામીના મકાનમાં ચોરીની કબૂલાત કરી હતી. યાસીન પઠાણનો ભૂતકાળ પણ ગુનાહિત છે. તેની સામે કડી પોલીસ સ્ટેશનમાં 16, પાટણ, બાવલુ અને કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં 1-1-1 ઘરફોડ ચોરીના ગુના અગાઉ લખાવેલા છે.