બોરસદમાં અગાઉના ઝઘડાની રીસ રાખી યુવક પર લોખંડની પાઈપથી હુમલો

બોરસદના રબારી ચકલા ખાતે રહેતા 23 વર્ષીય મોઈનઅલી ઈદ્રીશઅલી સૈયદે બોરસદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. આ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, બોરસદના વાવડી મહોલ્લા ખાતે રહેતા સલમાન મહોમ્મદ મલેક, તેના ભાઈ મોઈન મહમદ મલેક અને બનેવી જહાંગીર ઉર્ફે ગઠિયો ઈલ્યાસ પાવભાજીવાળા સાથે તેના કાકાને અગાઉ ઝઘડો થયો હતો. જે અંગેની ફરિયાદ તેમણે લખાવતા ત્રણેય જણાંને જેલમાં જવું પડ્યું હતું. દરમિયાન, તેઓ જેલમાંથી છૂટી ગયા હતા. પરંતુ આ બાબતની તેઓએ રીસ રાખી હતી. સાંજના અરસામાં મોઈનઅલી બસ સ્ટેન્ડ પાસે ચ્હા પીવા માટે ગયો હતો ત્યારે ત્રણેય જણાં આવી પહોંચ્યા હતા અને તમારા લીધે અમારે જેલમાં જવું પડ્યું, આજે તો જાનથી મારી નાંખીશ તેમ કહી ધમકી આપી તેમણે યુવક પર લોખંડની પાઈપથી હુમલો કર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજા થઈ હતી. આ મામલે બોરસદ શહેર પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.