ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં રૂ17.20 લાખની છેતરપિંડી કરનાર પકડાયો

ડભોઇ તાલુકાના સાઠોદ ગામના હોટલ માલિકનો પુત્ર અવળી લતે ચઢી જતા પિતા દુ:ખી થયા હતા. પુત્રને કેમ કરીને સુધારવા મથામણ કરતા પિતાને વિધિનો જાણકાર ભટકાઇ જતા પુત્ર પ્રેમમાં પિતાએ અંધશ્રદ્ધાના વહેણમાં અટવાઇ જતા મેવાસના ગ્રામ્ય વિસ્તારના ઠગે ટુકડે ટુકડે વિધિના નામે રૂપિયા 17.20 લાખની છેતરપિંડી કરી લીધી હતી. જેની ફરિયાદ ડભોઈ પોલીસમાં થયેલ હોય પોલીસે ઠગાઇ કરનાર શખ્સને પકડી કસ્ટડી ભેગો કર્યો છે.ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી અનુસાર ફરિયાદી દત્તુભાઇ ઘનશ્યામભાઇ બારોટની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સાઠોદ ખાતે હીર હોટલ ચલાવે છે. તેઓનો મોટો દિકરો હર્ષ અવળી લતે ચઢી જતાં કેમેય કરીને સુધરવાનુ નામ ન લેતા થાકેલા પિતાને ગરજને અક્કલ ન હોય તેમ રડતા હતા ને પિયરયા ભટકાયા તેમ ઠગ લક્ષ્મણ કાભઇભાઇ તડવી ભટકાઇ ગયો હતો. પોતાની વાકછટાથી ઠગે દત્તુભાઇ બારોટને વિશ્વાસમાં લઈ દિકરાને સુધારવા ધાર્મિક વિધિ કરવાના નુસ્ખા આપ્યા હતા.જેથી ઠગ લક્ષ્મણ તડવીની વાતોમાં આવેલા દત્તુભાઇ બારોટે પુત્ર પ્રેમમાં ટુકડે ટુકડે ધાર્મિકવિધિ કરવાના રૂપિયા 17.20 લાખ આપી દીધા હતા. જે બાદમાં દતુભાઇ બારોટને પોતે છેતરાયા હોવાનું ભાન થતા પોતાના રૂપિયા ઠગ લક્ષ્મણ તડવી પાસે પરત માગતા અલ્લાગલ્લા કરવા લાગ્યો હતો. છેવટે પોતાના ખેતરનો કપાસ વેચીને રૂપિયા પરત કરી દેશે તેવો વિશ્વાસ પણ આપી સમય પસાર કરતો હોય આખરે પોતાની સાથે થયેલ છેતરપિંડી બાબતે ડભોઇ પોલીસને ફરિયાદ આપતા શોધખોળ બાદ શખ્સ તેના ગામથીજ પકડાઈ ગયો હતો.ધાર્મિક વિધિના બહાને ઠગાઇ કરનાર શખ્સના રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ. ડભોઈના સાઠોદ ગામે હોટલ માલિક સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરનાર શખ્સ લક્ષમન તડવીના રિમાન્ડ માટે તેને હોટલ માલિક સાથે કઇ રીતે ઠગાઇ કરી હતી. તે ક્યાં ક્યાં લઇ ગયો હતો. અન્ય કોઈ સાથે અગાઉ ઠગાઇ કરેલ છે કે કેમ. રૂપિયા 17.20 લાખની રિકવરી કરવાની હોય રિમાન્ડની માગણી કરવા તજવીજ કરી હતી.