માણસામાં ઘરમાંથી દારૂની 23 બોટલ, બિયરનાં 38 ટીન પકડાયા

માણસામાં ઘરમાં સંતાડેલા વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સને પોલીસે પકડી પાડી તેની સામે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં પોલીસે શખ્સના ઘરમાંથી વિદેશી દારૂની 23 બોટલ અને બિયરના 38 ટીન કબ્જે કર્યા છે. માણસા પીએસઆઇ ખરાડી અને હેડ કોન્સ્ટેબલ લાલાભાઇ કાનભાઈ સહિતનો સ્ટાફ રાત્રિના અરસામાં નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન દારૂ અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે માણસા શહેરમાં પાંજરાપોળ વિસ્તારના ચારણવાસમાં રહેતા હીરેન ઉર્ફે બેચર લાલભાઇ પટેલ નામના યુવકના ઘરે રાત્રિના અરસામાં દરોડો પાડ્યો હતો. શખ્સના ઘરના ત્રીજા રૂમમાં પૂંઠાના ખોખા અને પ્લાસ્ટિકની થેલીમાંથી 23 બોટલ વિદેશી દારૂ અને 38 નંગ બીયરના ટીન મળી આવ્યા હતા. વિદેશી દારૂ અને બિયરના જથ્થા બાબતે શખ્સની પૂછપરછ કરતા તેણ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે 36,110ની કિંમતની વિદેશી દારૂની 23 બોટલ અને 4560ની કિંમતના બિયરના 38 ટીન મળી કુલ 40,670 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે શખ્સ હીરેન પટેલ સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.