અમદાવાદમાં રોંગ સાઈડમાં બાઈક લઈને આવેલા બે ઇસમો મહિલાના ગળામાંથી 80 હજારની સોનાની ચેઈનની ચીલઝડપ

અમદાવાદમાં લૂંટ અને ઘરફોડના ગુનાઓ વધી રહ્યાં છે. તેની સાથે સાયબર ફ્રોડના ગુનાઓનો ગ્રાફ પણ ઉંચો જઈ રહ્યો છે. ત્યારે રસ્તામાં એકલ દોકલ જતાં વ્યક્તિઓના ગળામાંથી ચેઈન તોડીને ભાગી જતાં ચેઈન સ્નેચરો પણ વધુ પ્રમાણમાં સક્રિય થયાં છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈન તોડીને બે ઇસમો ભાગી ગયાં હતાં. જેની ફરિયાદ મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લખાવી છે. 40 ગ્રામની 80 હજારની સોનાની ચેઈન તોડી ઇસમો ફરાર. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં રેણુંબહેન મિશ્રા પોતાનું એક્ટિવા લઈને વોટર બેગ રીપેર કરવા નીકળ્યાં હતાં. તેઓ વોટર બેગ રીપેર થયા બાદ તેને લઈને પોતાના ઘર તરફ જતાં હતાં. આ દરમિયાન રોંગ સાઈડમાં એક બાઈક પર મોંઢે કાળું કપડું વીટીને આવી રહ્યાં હતાં. તેમણે રેણુંબેનના એક્ટિવાને સહેજ બાઈક ટચ કર્યું હતું. જેથી રેણુંબેન એક્ટિવા પરથી નમી ગયાં હતાં. આ દરમિયાન બંને ઇસમો રેણુંબેનના ગળામાંથી 40 ગ્રામની 80 હજારની કિંમતની સોનાના મણકા વાળી ચેઈન તોડીને પલાયન થઈ ગયાં હતાં. મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી. ચેઈન લઈને ભાગી ગયેલા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ લખાવી. ગળામાંથી ચેઈન તોડીને ભાગી જનારા ઇસમોને કારણે રેણુંબેન ગભરાઈ ગયાં હતાં. તેમણે પોતાના ઘરમાં આ બાબતની જાણ કરી ન હતી. તેઓ સમગ્ર બનાવને કારણે નાદુરસ્ત થયાં હતાં. પરંતુ સ્વસ્થ થયા બાદ તેમણે સમગ્ર બનાવ અંગે તેમના પતિને જાણ કરી હતી. જેથી તેમના પતિએ પોલીસમાં ફરિયાદ આપવાનું નક્કી કરતાં રેણુંબેને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલા બનાવની ફરિયાદ લખાવી હતી. પોલીસે રેણુંબેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તજવીજ હાથ ધરી છે.