મુંદરામાં ચાર દુકાનોને નિશાન બનાવતાં શહેરમાં ચકચાર પ્રસરી

મુંદરા કડકડતી ઠંડી વચ્ચે પોલીસની સાથે તસ્કરોએ પણ સઘન નાઈટ પેટ્રોલિંગ કરી બંદરીય મુંદરામાં એકીસાથે ચાર દુકાનોને નિશાન બનાવતાં શહેરમાં ચકચાર પ્રસરી છે. જો કે, આ બનાવ અંગે સાંજના અરસા સુધી પોલીસ ચોપડો કોરો રહ્યો હતો. બીજી બાજુ ભુજમાં નાગરચકલા વિસ્તારમાં રાત્રિના અરસામાં તસ્કરી કરવા ઘૂસેલા બે ઈસમને લોકોએ પકડી પાડયા હતા. મુંદરાના માંડવીચોક વિસ્તારમાં રાત્રિના અરસા વચ્ચે તસ્કરોએ સામૂહિક આક્રમણ કરી ચાર દુકાનોને નિશાન બનાવી હતી. દુકાનોનાં નળિયા ખસેડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. આધારભૂત વર્તુળો પાસેથી મળતી વિગતો અનુસાર પરેશ જયંતીલાલ દરજીના ગાયત્રી સ્ટોરમાંથી મંદીરના ફાળાના એકત્ર કરેલા રોકડા રૂ.50 હજાર અને વેપારની રકમ સહિત અંદાજે એક લાખ જેટલી રોકડ રકમની તસ્કરી થઈ છે. બાજુમાં આવેલી અશ્વિન નેમચંદ મહેતાની અરિહંત ટ્રેડર્સ નામની દુકાનમાં પરચૂરણ સહિત રૂ.1 હજારની મતા અને ગોદામની ચાવીઓ ચોરાઈ હોવાના અહેવાલો સાંપડયા હતા.તસ્કરીના આ બનાવ અંગે સાંજના અરસામાં સુધી ફરિયાદ નોંધાઈ ન હતી. ચોર પકડાશે તો ગુનો દાખલ થશે તેવી ટકોર જાણકારોએ કરી હતી. તસ્કરીનો આ બનાવ સીસીકેમેરામાં કેદ થયો છે. તસ્કરીનો આ બનાવ નગરમાં ચર્ચાની એરણે ચડયો હતો. બીજીબાજુ ભુજમાં નાગરચકલા-ઉપલીપાળ વિસ્તારમાં તસ્કરીના પ્રયાસનો બનાવ રાત્રિના અરસામાં બન્યો હતો. ઈસમ સામજી હીરજી વાઘેલા અને કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર ફરિયાદી ભગવાનગિરિ રતનગિરિ ગોસ્વામીના મકાનમાં તસ્કરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા. પરંતુ આસપાસના લોકોએ તેમને ઝડપી પાડ્યા હતા. ફરિયાદીનાં મકાનમાંથી અગાઉ પણ પાના-પકડની તસ્કરી થઈ હતી. બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઈસમ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.