ગાંધીધામ તાલુકાના ખારીરોહરની સીમમાં પોલીસે બાઇકતસ્કરીના બે ગુના પરથી પડદો ઊંચક્યો

ગાંધીધામ તાલુકાના ખારીરોહરની સીમમાં આવેલા મચ્છુનગર વિસ્તારમાંથી છરી સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડયો હતો. તેની પૂછપરછ દરમ્યાન બાઇક તસ્કરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. શહેરની બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મચ્છુનગર નજીકથી મૂળ ખારીરોહર હાલે અંજાર રહેતા અબ્બાસઅલી રમજાન વીરા નામના ઈસમને ઝડપી પાડયો હતો. આ ઈસમ પાસેથી છરી જપ્ત કરી લેવામાં આવી હતી. તેની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરાતાં વાહનતસ્કરીના બનાવોનો ભેદ ખુલ્યો હતો. તેણે એ તથા બી-ડિવિઝન ગાંધીધામ વિસ્તારમાંથી બે બાઇકની તસ્કરી કરી હોવાની કેફિયત પોલીસને આપી હતી અને વાહનો પોતાના ખારીરોહરના મકાનમાં રાખેલ હોવાનું જણાવ્યું હતું. આ મકાનમાંથી બાઇક નંબર જી.જે. 12 ઇ.સી. 9843, એક્ટિવા નંબર જી.જે. 12 ડી.બી. 2833 તથા બાઇક નંબર જી.જે. 12 ડી.એન. 7553, જી.જે. 03 ઇ.જી. 3589 એમ કુલ રૂ.1,35,000ના ચાર વાહનો જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં વધુ વાહનતસ્કરીના ભેદ ઉકેલાવાની શક્યતા પોલીસે દર્શાવી હતી અને આ ઈસમની વધુ તપાસ હાથ ધરી હતી.