મીઠીરોહરની કંપની સાથે 11.33 લાખની છેતરપિંડી

ગાંધીધામ તાલુકાના મીઠીરોહરમાં આવેલી એક કંપની પાસેથી માલ ખરીદી બાદમાં નીકળતા રૂ.11,33,739 ન આપતા ઉત્તરપ્રદેશના ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઈ હતી. મેઘપર બોરીચીમાં નવરત્ન રેસિડેન્સીમાં રહેતા અજયકુમાર રોશનલાલ ગોયલની મીઠીરોહરમાં ચૌધરી ટ્રેડિંગ કંપની કો. પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. આ કંપની કામથી અજય ગોયલ કામકાજ માટે વારંવાર બહારગામ જતા હોય છે. વર્ષ 2017માં તે ઉત્તરપ્રદેશના કાનપુર ગયા હતા. જ્યાં એમ. એસ. ટિમ્બરના સમીમ સાથે મળ્યા હતા. આ ઇસમે અજયની મુલાકાત આકાંક્ષા ટિમ્બરના માલિક સુનિતા વિશ્વકર્મા, શિવકુમાર ઉર્ફે શિવવિલાસ ગોરધનલાલ વિશ્વકર્મા તથા અમિતકુમાર શિવકુમાર વિશ્વકર્મા સાથે કરાવી હતી. આ ત્રણેયે ચૌધરી કંપનીમાંથી માલ લેવાની વાત કરી હતી અને બાદમાં વર્ષ 2017થી 2019 સુધી માલ ખરીદ્યો હતો, જે માલના રૂ.49,60,110 થતા હતા, જે પૈકી આ ઇસમોએ ચૌધરી કંપનીના ખાતામાં રૂ.38,26,372 જમા કરાવી દીધા હતા. પરંતુ બાકી નીકળતા રૂ.11,33,739 આપતા નહોતા. જેથી અજય ગોયલે તેમની પાસેથી રૂબરૂ તથા ફોન દ્વારા પૈસાની માગણી વારંવાર કરી હોવા છતાં ઇસમો પૈસા આપતા ન હોતા અને વાયદા કરતા હતા. અંતે આ ત્રણેય વિરુદ્ધ કંપનીના કામદાર દિપક સંતોષ મેથાનીએ પોલીસ સ્ટેશને વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ લખાવી હતી. જેના આધારે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.