બોરસદ તાલુકાના વાલવોડ ગામે ખેતરના રસ્તા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી

બોરસદ તાલુકાના વાલવોડ ગામે ખેતરના રસ્તા બાબતે અને પશુ બાંધવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતાં મામલો ભાદરણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બોરસદ તાલુકાના વાલવોડ ગામે લાંબી સીમ વિસ્તારમાં હિતેશભાઈ ગોરધનભાઈ વણકર રહે છે. તેમની નજીકમાં જ ફતેસિંહ મેરૂભાઈ જાદવ રહે છે.સાંજના અરસામાં હિતેશભાઈ વણકર પોતાના ખેતરની નળી સાફ કરાવતા હતા. ત્યારે ફતેસિંહ મેરૂભાઈ જાદવ અને જગદીશભાઈ ફતેસિંહ જાદવે ભેગા મળીને જમીન અને રસ્તા બાબતે અગાઉ કરેલા કેસની રીસ રાખી હીતેશભાઈ તેમજ તેમના પરિવારને કાશીબેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે હિતેશભાઈએ બંને વિરૂદ્ધ ફરિયાદ લખાવી હતી. બીજી તરફ સામા પક્ષે ફતેસિંહ મેરૂભાઈ જાદવે પોતાના પશુ હતા ત્યાં આગળનો પોતાનો રસ્તો નહીં કરવા હિતેશભાઈને જણાવતા હિતેશભાઈ ગોરધભાઈ જાદવે ઉશ્કેરાઈને માર-મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.