ભરૂચમાં ઇન્સ્યોરન્સ એજન્ટના ઘરમાંથી રૂ 6.33 લાખની તસ્કરી


ભરૂચ શહેરની મંગજ્યોત સોસાયટીમાં રહેતાં અને ઇન્સ્યોરન્સ એજન્ટ તેમના માતાનું અવસાન થયું હોઇ તેઓ કાલોલ તેમના વતને ગયાં હતાં. દરમિયાનમાં તેમના બંધ મકાનમાં તસ્કરોએ ધાપ મારી સોના-ચાંદીના કુલ 6.33 લાખના દાગીનાની તસ્કરી કરી રફુચક્કર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલી મંગલજ્યોત સોસાયટી ખાતે રહેતાં દર્શન હસમુખલાલ દેસાઇ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ કરે છે. તેમની માતાશ્રીનું અવસાન થયું હોઇ તેઓ તેમના વતને કાલોલ ખાતે ગયાં હતાં. દરમિયાનમાં સવારના અરસામાં તેમના મકાન માલિકે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના ઘરમાં તસ્કરી થઇ છે. ઘરના આગળના દરવાજાને મારેલું ઇન્ટરલોક તુટેલો છે. જેના પગલે તેઓ તુરંત ઘરે આવવા નિકળ્યાં હતાં. તેઓએ ઘરી આવી જોતાં તેમના ઘરમાં મેન રૂમમાં મુકેલી તિજોરીનું તાળું તોડી તેમાનો સામાન વેરવિખેર કરી અંદરથી કુલ 6.33 લાખની મત્તાના સોના તેમજ ચાંદીના દાગીનાની તસ્કરી કરી થઇ હોવાનું જણાયું હતું. જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.