4.79 લાખના 37 મોબાઇલની તસ્કરી કરનાર 4 ડિલેવરી બોય પકડાયા

80623867

ઓનલાઇન મોબાઇલ વેંચતી એજન્સીના 37 મોબાઇલની તસ્કરીમાં એલસીબીએ એજન્સીના જ 4 ડિલેવરી બોયને પકડી પાડીને 1.72 લાખની કિંમતના 17મોબાઇલ જપ્ત કર્યા છે. આ અંગે મળતી વિગત અનુસાર મોતીબાગ નજીક ઓનલાઇન મોબાઇલ વેંચનાર ફ્લીપકાર્ટ અને ઇકાર્ટના હબ સેન્ટર આવેલા છે.અહિં 45 ડિલેવરી બોય કામ કરે છે. દરમિયાન કોઇપણ ડિલેવરી બોય કંપનીના 4,79,230ની કિંમતના 37 મોબાઇલની તસ્કરી કરી ગયું હોવાની સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી,પીએસઆઇ ડી.જી. બડવા, એ.ડી. વાળા અને સ્ટાફે તજવીજ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે, આ તસ્કરીમાં મધુરમના રાજ અશોકભાઇ પ્રજાપતિ, ખુંભડી ગામના ભાર્ગવ જાદવભાઇ આહિર, ટીંબાવાડીના ઇબ્રાહિમ લાખા ગામેતી અને મધુરમના કિશોર દાનાભાઇ વાણવીની સંડોવણી છે. બાદમાં ચારેયને એલસીબીએ લાવી પૂછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી. આરોપીએ તસ્કરી કરેલા મોબાઇલ દુકાનોમાં વેંચ્યા હોવાની કબુલાત આપતા 4 મોબાઇલ સ્ટોરના માલિક પાસેથી 12 અને આરોપીઓ પાસેથી 5 મળી કુલ 17 મોબાઇલ કિંમત 1,72,159ના જપ્ત કરી ધોરણસરની તજવીજ હાથ ધરી છે.