ભુજ-માધાપરમાંથી 23.86 લાખની વીજ તસ્કરી ઝડપાઇ

ભુજ શહેર પેટા વિભાગ-2 અને માધાપર પેટા વિભાગીય કચેરી તળે આવતા રહેણાક, વાણિજ્યિક અને ઔદ્યોગિક હેતુ સાથે જોડાણ ધરાવતા 602 જેટલા વીજ ગ્રાહકોના મીટરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 28 કનેક્શનમાં નિયમોને નેવે મૂકીને વીજ વપરાશ થતો હોવાનું બહાર આવતાં 23.86 લાખના દંડ સહિતના વીજ બિલો ફટકારવામાં આવ્યા હતા. જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકેલી 28 ટીમોએ ઘર વપરાશના 529, કોમર્શિયલ 68 અને ઔદ્યોગિક હેતુ સાથેના 5 કનેક્શન ચકાસ્યા હતા. જે પૈકીના 58 જોડાણમાં ગેરરીતિ જણાઇ હતી. ભુજમાં ભુજીયાની તળેટી, ભીડ ગેટ, પાટવાડી નાકા વિસ્તાર, રેલવે સ્ટેશન, કુંભાર ફળિયા, બાપા દયાળુ નગર, સેજવાળા માતામ, આશાપુરા નગરી તેમજ માધાપર જૂના વાસમાં વિજીલન્સની ટુકડીઓએ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. આગામી સમયમાં ચેકિંગ ઝુંબેશને વધુ વેગવંતી બનાવાશે તેમ ભુજ વર્તુળ કચેરીના વીજ વડા અમૃત એસ. ગરવાએ જણાવ્યું હતું.