રાજુલા તાલુકામાં ભંગાર વેચવા આવેલો ઈસમ વધુ નાણાં આપવાની લાલચે દાગીના લઇ ગયો

વાવેરામા રહેતો એક યુવક પોતાના ઘરે એકલો હતો. ત્યારે ભંગાર વેચવા આવેલા ઇસમે તેને વિશ્વાસમા લઇ સોના ચાંદીના દાગીનાના વધુ નાણા આપવાની લાલચ આપી કુલ રૂપિયા 27,400ના દાગીના લઇ જઇ છેતરપીંડી આચરતા આ બારામા રાજુલા પોલીસ સ્ટેશને ફરિયાદ લખવાઇ છે. વાવેરામા રહેતા કાનજીભાઇ નારણભાઇ મકવાણા નામના વૃધ્ધે રાજુલા પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે તેના ઘરમા કબાટમા સોના ચાંદીના દાગીના રાખ્યા હોય પરંતુ કબાટ ખોલતા દાગીના ન હોય તેણે તેના દીકરા દિલીપ અને ગુણવંતને પુછયુ હતુ. તેના દીકરા દિલીપે જણાવ્યું હતુ કે ગામમા એક અજાણ્યો માણસ અવારનવાર છકડો રીક્ષા લઇને ભંગાર લેવા આવતો હોય આ ઈસમ તેના ઘરે આવ્યો હતો. જો કે ભંગાર ન હોય આ ઈસમ જતો રહ્યો હતો.થોડા દિવસો બાદ ફરી આ ઈસમ તેના ઘરે આવ્યો હતો. ત્યારે થોડો ભંગાર તેને આપ્યો હતો. બાદમા આ ઈસમ ફરી એક વખત ઘરે આવ્યો હતો અને કહ્યું હતુ કે તમારી પાસે સોના ચાંદીના દાગીના હોય તો હું તમને વધુ નાણા આપીશ તેમ કહ્યું હતુ. જેથી દિલીપે તેને સોનાનો  એક ચેઇન, સોનાની વીંટી, સોનાની કડી નંગ-6, સોનાનો દાણો, સોનાના કાપ, ચાંદીનો કંદારો વિગેરે મળી કુલ 27,400નો મુદામાલ આપી દીધો હતેા. આ ઈસમ દિલીપને વિશ્વાસમા લઇ સોના ચાંદીના દાગીના લઇને હતો રહ્યો હતો. જે આજદિન સુધી પરત ફર્યો ન હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.