ડભોઇમાં એક જ રાતમાં 7 મકાનોના તાળા તોડી 2 મકાનોમાં ઘરફોડ તસ્કરી

ડભોઇના પટેલવાગા, સુથારવાગા, નિલકંઠ ફળીયા અને વિમલા સોસાયટી સહિત કડકડતી ઠંડીમાં એક જ રાતમાં 7 મકાનોના તાળા તોડી 2 મકાનોમાં ઘરફોડ તસ્કરી કરી ઇકો કારમાં આવેલા અજાણ્યા તસ્કરો પોતાની મુરાદ પાર પાડી પલાયન થઈ ગયા હતા. એક મકાન માલિકોની બૂમો સાંભળી લોકટોળા ભેગા થયા હતા. જોકે અજાણ્યા તસ્કરો ઇકો કાર સાથે સીસીટીવીમાં કેદ થઈ જતાં ચકચાર મચી હતી. પોલીસે ફરિયાદની તજવીજ સાથે ચોરોની શોધખોળ હાથ ધરી છે. ડભોઇના નીલકંઠ ફળીયામાં રહેતા દિપકભાઇ રામચંદ્ર દરજી તેઓના કાકા જેઓ નિલકંઠ પાર્ક સોસાયટીમાં રહેતા હોઇ તેમના ઘેર કોઇ ના હોવાથી ભત્રીજો દિપક પોતાના ઘરને તાળુ મારી કાકાને ઘેર સૂવા ગયો હતો. સવારના અરસામાં પોતાના ઘેર આવી ઘરના તાળા તૂટેલા જોતાં અને તિજોરી સહિત ઘરમાં સામાન વેરવિખેર જોતા તેને તસ્કરી થયાની ફાળ પડી હતી. ઘરની તિજોરીમાં તપાસ કરતા સોનાના મંગલસૂત્ર નંગ-02, સોનાની ચેન, વીંટીઓ સહિતનો મુદ્દામાલ કિંમત રૂપિયા 3 લાખ જેટલા દાગીનાની તસ્કરી કરી ગયા હતા. જ્યારે સુથારવાગા વિસ્તારમાં અબ્દુલભાઇ ટેનીના મકાન સહિત કુલ 5 જેટલા મકાનોના નકુચા કાપી તાળા તોડી તસ્કરીનો પ્રયાસ થયો હતો. જ્યારે શિનોર ચોકડી પાસે આવેલી વિમલ સોસાયટીના એક મકાનનું પણ તાળુ તોડી તસ્કરી કરાઈ હોવાની ઘટના પણ સામે આવી હતી. ઇકો કારમાં આવેલી ચોર ટોળકીએ એક જ રાતમાં તસ્કરીનો આતંક મચાવી દેતાં ચકચાર મચી જવા પામી હતી.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.