કુવાડવામાં તસ્કરો ત્રણ દુકાનમાંથી લાડવા, ગાંઠિયા, પાપડી તસ્કરી ગયા

કુવાડવાને સમજી ગયેલા તસ્કરો રાત્રિના અરસામાં કુવાડવાની બજારમાં ત્રાટક્યા હતા અને ત્રણ દુકાન અને એક મંદિરમાં ખાંખાંખોળા કર્યા હતા, ફરસાણની દુકાનમાંથી તસ્કરો ગાંઠિયા, લાડવા અને પાપડી સહિતનો નાસ્તો ઉઠાવી ગયા હતા. તસ્કરો પોતાની સાથે પથ્થરો ભરેલી થેલી લઇને તસ્કરી કરવા ઘૂસ્યા હતા. કોઇ વ્યક્તિ પ્રતિકાર કરે તો પથ્થરમારો કરવાની તસ્કરોએ તૈયારી કરી રાખી હતી. કુવાડવામાં બીજા દિવસે સવારના અરસામાં વેપારી પહોંચ્યા ત્યારે ત્રણ દુકાનના શટર તૂટેલા જોવા મળ્યા હતા, એટલું જ નહીં પરંતુ દૂધાત્રા પરિવારના મઢમાં પણ તસ્કરીનો પ્રયાસ થયાનું ખુલ્યું હતું, ટોળે વળેલા લોકોએ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં રાત્રિના અરસામાં ચાર ઈસમ બજારમાં ખાબક્યા હતા. તેમની પાસે થેલી હતી. જેમાં પથ્થરો હતા. મોબાઇલની અને ફરસાણ સહિત ત્રણ દુકાનના શટર તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા, ફરસાણની દુકાનમાંથી લાડવા, ગાંઠિયા અને પાપડીનો નાસ્તો તસ્કરો ઉઠાવી ગયા હતા.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.