માનકુવામાં દુકાનનો નકૂચો તોડી 85 હજારની સામગ્રી તસ્કરી કરી જવાઈ

ભુજ તાલુકાના માનકુવા ગામે સામત્રા તરફના માર્ગ ઉપર આવેલી હરીશ કુંવરજી પુંજાણીની બાલક્રિશ મોટર રિવાઈ ન્ડિંગ નામની દુકાનના દરવાજાનો નકૂચો તોડી કોઈ હરામખોરો તેમાંથી રૂ. 85 હજારનો સરસામાન તસ્કરી કરી ગયા હતા. જ્યારે તાલુકાના કેરા ગામે મુંદરા રોડ ઉપર આવેલા કેરાના કમલેશ કાનાભાઇ રબારીના વાડામાંથી કોઇ તસ્કરો રૂા.પચાવન હજારનો સરસામાન તસ્કરી કરી ગયા હતા. તાલુકાના માનકૂવા પોલીસ સ્ટેશનના દફતરે લખાવેલા આ બન્ને કેસ પૈકી માનકૂવા ગામે સામત્રા ધોરીમાર્ગ ઉપર કાર્યરત હરીશ પુંજાણીની દુકાનમાં રાત્રિના અરસા દરમ્યાન તૂટી હતી. આ દુકાનના દરવાજાનો નકૂચો તોડી અંદર ઘૂસેલા કોઇ હરામખોરો નાના-મોટા નવા-જૂના છ મોનોબ્લોક, સબમર્શિબલ મોટર, મોટર ચકરી, પિત્તળની રિંગ અને ફલેકસીબલ વાયર સહિત કુલ રૂ. 85 હજારનો સામાન તસ્કરી કરી ગયા હતા. બનાવના સમયે દુકાનના માલિક કામ અન્વયે બરેલી ઉત્તરપ્રદેશ ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી તેમ ફરિયાદમાં નોધાવાયું છે. જ્યારે કેરા ગામે મુંદરા તરફના ધોરીમાર્ગ ઉપર એસ્સાર પેટ્રોલપંપની પાછળ આવેલા કમલેશ રબારીના વાડામાંથી રાત્રિના અરસા દરમ્યાન ચોરી થઇ હતી. આ ઘટનામાં વાડામાંથી ક્રશર પ્લાન્ટની ટોગલ બે જોડ, લોખંડની ટ્રીટમેન્ટ, લોખંડના રોલર, લોખંડના ગેર વગેરે મળી કુલ રૂ.55 હજારનો સામાન ચોરી કરી જવાયો હતો. તેમ ફરિયાદમાં નોંધાવાયું છે. માનકૂવા પોલીસે બન્ને કેસની તજવીજ હાથ ધરી છે.