ગળપાદરના ટ્રાન્સપોર્ટર પાસેથી આર્મીમેન બનીને રૂ.75 હજારની ઠગાઇ

ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં રહેતા એક ટ્રાન્સપોર્ટરને આર્મીના નામે આર્મીના ગેઇટ પાસે બોલાવી તેની પાસેથી માલ પરિવહન કરવાના બહાના હેઠળ રૂ. 75,000 મેળવી લેવાયા હતા. આ પ્રકરણમાં એક ઈસમ વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગળપાદરના રાજવી નગરમાં રહેતા ગૌરવ કિશન શર્મા નામના યુવાને આ બનાવ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. આ ફરિયાદીના પિતાની વિશાલ ફ્રેઇડ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ પેઢી છે. ગત તા. 30/11ના ફરિયાદીને એક ફોન આવ્યો હતો અને સામે છેડેથી અનિલકુમાર ઇન્ડિયન આર્મીમાંથી બોલું છું તેમ હિન્દીમાં કહ્યું હતું અને ગળપાદર આર્મી કેમ્પની અમારી બટાલિયનની દિલ્હી બદલી થઇ છે જેથી માલ-સામાન લઇ જવા માટે ટ્રક વગેરે વાહન જોઇએ છે. તેવી વાત આ ઇસમે કરી હતી. આ બંને વચ્ચે ભાવ નક્કી થયા બાદ બે ગાડી મોકલવાનું નક્કી કરાયું હતું, જેથી ફરિયાદી તા. 1/12ના બે ગાડી લઇને ગળપાદર આર્મી કેમ્પના ગેઇટ પાસે પહોંચી ગયો હતો અને આ આરોપીને ફોન કર્યો હતો. આરોપીએ ભાડાની રકમ જેટલી જ ડિપોઝિટ કરવી પડશે, પછી જ ગાડીઓ કેમ્પની અંદર જઇ શકશે તેવી વાત કરી હતી. જેથી રૂ.20,000 ના ત્રણ ઓનલાઇન ટ્રાન્જેક્શન કર્યા હતા અને બાદમાં રૂ.15,000 બીજા ફોનમાં નખાવ્યા હતા. રૂ.75,000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા બાદ બીજી ગાડી માટે પોતે બેંકમાં જઇને રકમ જમા કરાવવાનું કહેતાં ઈસમએ પોતાના બેંક ખાતા નંબર પણ આપ્યા હતા.ફરિયાદી બેંકમાં જતાં તેના ખાતામાંથી રૂ.75,000 ઉપડી ગયાનું બહાર આવ્યું હતું. જેથી ફરિયાદીએ જે તે સમયે સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી કરી હતી. તે દિવસે રૂપેશ ચૌધરી નામના ઇસમે ફોન કરી અનિલકુમારે ઠગાઇ કરી છે. તે અમારો જ અધિકારી હોવાનું કહી લિન્ક મોકલવાની વાત કરી હતી. પરંતુ ફરિયાદીએ આ લિન્ક ખોલી નહોતી. જેથી વધુ પૈસા જવાથી બચી જવાયું હતું. રૂ.75,000ની ઠગાઇના આ બનાવમાં પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તજવીજ હાથ ધરી છે.