બિલોદરા ગામના તળાવ કિનારે વરલી મટકાનો જુગાર રમતાં 2 ઇસમો ઝડપાયા

બિલોદરા ગામના તળાવ કિનારે વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા 2 જુગારીને એલસીબીની ટીમે પકડી પાડ્યા હતા. પોલીસે 11 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીએ દરોડો પાડીને જુગારધામ પકડી પાડ્યું હતુ. મળતી માહિતી અનુસાર ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા માણસા વિસ્તારમા પેટ્રોલીંગ કરવામાં આવતુ હતુ. તે દરમિયાન બાતમી મળી હતી કે, બિલોદરા ગામમા આવેલા તળાવના કિનારે વરલી મટકાનુ જુગારધામ ચાલી રહ્યુ છે. જેને લઇને એલસીબીની ટીમે તે દિશામા તપાસ કરતા ખુલ્લી જગ્યામા કેટલાક લોકો જુગાર રમતા હતા. જેને લઇને પોલીસે અશોકસિંહ શિવાજી ચાવડા અને જેસંગજી ઉર્ફે ગેડો તલાજી ઠાકોરને પકડી પાડ્યા હતા. બંને પાસેથી 11,270 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે જુગાર માણસાના દેલવાડા ગામના જયદીપસિંહ દિલીપસિંહ વાઘેલા પાસે વલણ કરાવતો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેને લઇને માણસા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ લખાવવામાં આવી હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.