રિફન્ડના નામે ભરૂચના યુવક સાથે રૂ. 49 હજારની છેતરપિંડી

ભરૂચના ભાડભૂત ગામે રહેતાં યુવાને એમેઝોન કંપનીમાંથી રોટી મેકર મશીન મંગાવી હતી.જોકે, તે મશીન બરાબર ન હોઇ તેને રિટર્ન કરવા કસ્ટમર કેરનો સંપર્ક કરી રિફન્ડ માટેની કવાયત કરતાં કસ્ટમર કેરમાંથી તેમને ફોન પર વાતોમાં ભોળવી તેને એનીડેસ્ક એપ્લિકેશનના આધારે તેના ખાતામાંથી 49 હજારની છેતરપિંડી કરી હતી. ભરૂચના ભાડભૂત ગામે કુંભાર ફળિયામાં રહેતો અને દહેજની ઇન્ડોફીલ કંપનીમાં રહેતો હિરેન મહેશ ભાટીયાએ એમેઝોન શોપિંગ એપ્લિકેશન પરથી ઓનલાઇન રોટી મેકર મંગાવી હતી. તેમનો સામાન આવતાં તેને ચકાસતાં તે બરાબર ચાલતું ન હોવાનું જણાતાં તેમણે તે પરત કરવા માટે કસ્ટમર કેરના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં કસ્ટમર કેરના સિનિયર ઓફિસરે તેને ફોન પર વાતોમાં ભોળવી એનીડેક્સ એપ્લિકેશન ડાઉન લોડ કરાવી તેના આધારે હિરેનનો મોબાઇલ હેક કરી તેના ખાતામાંથી તબક્કાવાર રીતે 49 હજાર ઉપરાંતની રકમ ચોરી કરી લીધાં હતાં. દરમિયાનમાં તેને તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડતાં તેણે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી હતી.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.