સાયલાના ડોળિયા પાસે ખેતમજૂરનું અજાણ્યા વાહનની અડફેટે મૃત્યુ

સાયલાના ડોળિયા ગામ પાસેથી પોતાના વાડીએ જતા હતા. આ દરમિયાન વૃદ્ધનું અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે મૃત્યુ નીપજયું હતું. સાયલા પોલીસે લાસને પીએમ માટે મોકલી અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારના અરસામાં 70 વર્ષીય બજાણિયા બાદરભાઇ સીમમાં આવેલ વાડીએ જતા હતા. દરમિયાન પૂરઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બાદરભાઇ રસ્તા વચ્ચે ફંગોળાઇ ગયા હતા અને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી.સ્થાનિક લોકો અકસ્માત થતા દોડી આવ્યા હતા. પરંતુ અજાણ્યા વાહનચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ બાબતે સાયલા પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ગંભીર ઇજાના કારણે બાદરભાઇનું મૃત્યુ થતા લાશને પીએમ માટે સાયલા દવાખાને મોકલી આપી હતી. આ બાબતે પરિવારજનોને જાણ થતા આક્રંદ ફેલાયું હતું. સાયલા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરવાની તપાસ હાથ ધરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.