ધોરાજીમાં ચોરાઉ ચાર બાઈક સાથે ત્રણ ઈસમની અટક

ધોરાજી પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી વાહનતસ્કરી ગુનાનો ભેદ ઉકેલી 4 બાઈક સાથે 3 ઈસમને પકડી પાડ્યા હતા. ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ સિંહ ગોહિલ અને સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ધોરાજીના માતાવાડી વિસ્તારમાં રહેતા નરેશ બાવાભાઈ વાઘેલાનાં ઘરે તેનાં બે મિત્ર આવેલા હોય જેની પાસે તસ્કરી કરેલા મોટરસાયકલ હોય અને તે વેચવાની તજવીજ કરતાં હોવાનુ જાણમાં આવતા ધોરાજી ડી સ્ટાફે રેડ કરતાં 3 ઇસમો પકડાઈ ગયા હતા. જેમાં નરેશ બાવાભાઈ વાઘેલા, રવી રસિકભાઇ સોલંકી, અને રવી પુનાભાઈ સોલંકીની અટક કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચાર બાઈક સહિતનો મુદામાલ જપ્ત કરીને તજવીજ હાથ ધરી છે. આ ઇસમોએ જેતપુર અને રાજકોટથી બાઈક ઉઠવ્યાની કબૂલાત આપી હતી, જે અંગે જેતપુર અને રાજકોટમાં બાઇક તસ્કરીના ગુના દાખલ થયા હતા.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.