પ્રાંતિયા ગામમા એક ઈસમના ઘરમાંથી 3 કીલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગરના પ્રાંતિયા ગામમા રહેતા એક ઇસમના ઘરમાંથી એસઓજીની ટીમે 3.16 કીલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. સવારના અરસામાં પોલીસે ઓપરેશન પાર પાડતા ગામમા સોપો પડી ગયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીનગરના પ્રાંતિયા ગામના લીંબડીવાળા વાસમા રહેતા હોથાજી ચેલાજી ઠાકોર ગાંજો લાવીને છુટક વેચાણ કરી રહ્યો છે. જેને લઇને એસઓજીની ટીમે સવારના અરસામાં જ ગામમા ઉતરી ગઇ હતી. લપાતી છુપાતી રીતે ગામમા કોઇને ખબર ના પડે તે રીતે લીંબડીવાળા વાસમાં પહોંચી હતી. તે દરમિયાન પોલીસ હોથાજીના ઘરે પહોંચી જતા આસપાસના લોકો વિચાર કરતા રહી ગયા હતા. જ્યારે પોલીસે હોથાજીના ઘરમાં ઘુસીને તજવીજ હાથ ધરી તો પલંગ પર એક કોથળી સંતાડેલી જોવા મળી હતી. જેને હાથમા લઇને તપાસ કરતા તેમાથી ગાંજો મળી આવ્યો હતો. જેને પોલીસે કબ્જે કરી તે અંગે કાર્યવાહી કરી હતી. પોલીસે વજન કરતા 3.16 કીલોગ્રામ કિંમત 30,160 નો જથ્થો થયો હતો. જેને લઇને પોલીસે ગાંજો બાબતે પૂછતાછ કરતા જાણવા મળ્યુ હતુ કે, તે ગાંજો લાવીને છૂટક વેપાર કરતો હતો. ત્યારે પોલીસે ગાંજો કોણ ખરીદતુ હતુ અને ક્યાંથી લાવવામા આવતો હતો, તે બાબતે પણ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઈસમની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.