વિસનગરના ભાન્ડુ હાઇવે પર ગાડીની ટક્કરે રાહદારીનું મૃત્યુ

વિસનગરના ભાન્ડુ ગામે ગેટ પાસે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું ગાડીની ટક્કરે સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. આ અંગે વિસનગર તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મહેસાણા-ઊંઝા હાઇવે પર આવેલા ભાન્ડુ ગામે વચલી પાર્ટી વિસ્તારમાં રહેતા પટેલ ચતુરભાઈ ઇશ્વરભાઇ ગામના ગેટની સામે લારી નજીક બેઠા હતા. થોડાક સમય બાદ તેઓ ઘરે જવા રોડ ઓળંગી રહ્યા હતા. તે સમયે અજાણી સફેદ ગાડીના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેઓ રોડ પર પટકાતાં માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં 108 ઇમરજન્સીમાં સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ચતુરભાઈ પટેલનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે પટેલ મુકેશભાઈ ધનજીભાઈએ વિસનગર પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનું પીએમ કરાવી પરિવારને સોંપ્યો હતો, જ્યારે ગાડીચાલક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.