મહેસાણા LCBએ શહેરમાં બાઈક અને એક્ટિવ તસ્કરી કરી પલાયન થયેલા ચોરને પકડી પાડ્યો

મહેસાણા શહેરમાં થોડા દિવસ અગાઉ બાઈક અને એક્ટિવ તસ્કરી મામલે શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વાહન તસ્કરી અંગે ફરિયાદ દાખલ થઈ હતી. જે મામલે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે વાહન તસ્કરી કરી પલાયન થયેલા શખ્સને પકડી વાહનો જપ્ત  કર્યા હતા. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એ.કે.વાઘેલા અને તેમની ટીમ પેટ્રોલિંગ પર હતી, એ દરમિયાન તેઓની બાતમી મળી હતી કે, એક શખ્સ નંબર વગરનું બાઈક લઈને રામોસના ગામથી પાંચોટ બાયપાસ તરફ જનાર છે, બાતમીના આધારે પોલીસ રાજધાની ટાઉનશિપના મેઈન ગેટ પાસે વોચમાં હતા. તસ્કરીના બાઈક સાથે આવતા ઈસમને પોલીસે પકડી પૂછપરછ કરી હતી. જ્યાં આરોપી જયેશ રબારીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. જેમાં 20 જાન્યુઆરીની રાત્રિના અરસામાં હબટાઉન પાર્કિંગમાંથી ડૂબલિકેટ ચાવી લગાવી બાઈક ચોર્યું હતું. તેમજ 14 જાન્યુઆરીના બપોરના અરસામાં સાઈ કૃષ્ણા હોસ્પિટલ સામે સૌંદર્ય સ્કવેર ખાતેથી એક એક્ટિવની તસ્કરી કરી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે એક્ટિવા અને બાઈક જપ્ત કરી પકડાયેલા ચોર સામે તજવીજ હાથ ધરી હતી.